‘કચ્છ-અર્પણ’ દ્વિમાસિક

About Us
‘કચ્છ-અર્પણ’

કચ્છીયતને શણગારતું સામાયિક
‘વતન, તોજો વટ, તોકે વતાયલા આયો ઐંયા,
તોજ્યું ગાલડિયું તોકે, સુણાયલા આયો ઐંયા.’

કચ્છનાં ઝવેરચંદ મેઘાણી ગણાતા દુલેરાય કારાણીનાં આ શબ્દોને સાર્થક કરતું કચ્છનું સામાયિક એટલે વડોદરાથી પ્રકાશિત થતું ‘કચ્છ-અર્પણ’ (દ્વિમાસિક). કચ્છ તથા કચ્છીઓની કથાને આલેખતા આ સામાયિકમાં કચ્છનાં અગ્રણી લેખકોની કલમો દ્વારા કચ્છને લગતી રસપ્રદ સામગ્રી પ્રગટ થાય છે. વિશ્વભરમાં ફેલાયેલા કચ્છીઓએ તેમની વેપાર કુશળતા, સાહસીકતાની સાથે કલા તથા સંસ્કૃતિમાં પણ આગવી છાપ પાડેલ છે. ગુજરાત રાજ્યનાં પશ્ર્ચિમ છેવાડે આવેલ ‘કચ્છ’ એ એક અજાયબી ભરેલ પ્રદેશ છે, જ્યાં દરિયો, રણ તથા ડુંગરાળ પ્રદેશનો ત્રિસંગમ છે. સમગ્ર વિશ્વમાં આવો ભુખંડ ક્યાંય જોવા નહિ મળે.

અહીંનો વિશિષ્ટ ઇતિહાસ ડાયનોસોર યુગથી શરૂ થઇ ધોળાવીરાની સંગે નર્મદાની નહેરોમાં થઇ રણોત્સવ સુધી વહે છે. આ બધા ઇતિહાસનાં પાનાંઓ, ઐતિહાસિક ઘટનાઓ, કચ્છીઓની જાહોજલાલીની વાતો અને કચ્છી માડુની નાની મોટી વાતો આપના સુધી પહોંચાડવા ‘કચ્છ-અર્પણ’ કટીબધ્ધ છે.

આ સામાયિકની શરૂઆત આમ તો મે-2004માં થઇ. એનાં પ્રકાશક/તંત્રી નવીન પટેલ (કચ્છ -અબડાસા, ગામ-સાંધાણ) કચ્છનાં જ વતની છે. શરૂઆતમાં ‘કચ્છ-દર્પણ’ના નામે શરૂ થયેલ આ સામાયિકના પ્રકાશન પાછળ એક રસપ્રદ ઘટના છે. નવીનભાઇ મુંબઇથી વડોદરા રહેવા આવ્યા ત્યારથી લગભગ 8 વર્ષ સુધી નજીકના એક પ્લાયવુડવાળાની દુકાનમાંથી જ્યારે જરૂર પડે ત્યારે ઘરનાં ફર્નીચર માટે લાકડું વગેરે લેતા રહ્યા. અચાનક એક દિવસ વાતવાતમાં ખબર પડી કે દુકાનવાળા પ્રહલાદભાઇ તો કચ્છી પટેલ છે ! એક સુખદ આશ્ર્ચર્ય સાથે પારાવાર દુ:ખ પણ થયું કે જે વ્યક્તિની સાથે 8 વર્ષથી નાતો છે એ આપણો જ કચ્છી ભાઇ છે એની ખબર જ નહીં ! એજ વખતે વડોદરાના બધા કચ્છીઓને સંગઠીત કરવાનો વિચાર આવ્યો અને એના પર પ્રહલાદભાઇના સહકારની મહોર લાગી અને શરૂ થયું એક માસિક સામાયિક ‘કચ્છ દર્પણ’.

શરૂઆતમાં વડોદરામાં કચ્છીઓનાં કેટલા ઘરો છે, ક્યા ક્યા સમાજો છે, કેટલા અન્ય કચ્છી છુટા છવાયા કુટુંબો છે વગેરેની શોધ ચાલી. ધીમે ધીમે જાણકારી મળતી ગઇ અને એક માસિક મેગેઝીન તરીકે ‘કચ્છ દર્પણ’ને વડોદરાના દરેક કચ્છી ઘરોમાં પહોંચાડવાની શરૂઆત થઇ. આ કાર્ય માટે શરૂઆતમાં કચ્છી લોહાણા મહાજનનાં હેમલભાઇ ઠક્કર, મહેન્દ્રભાઇ ચંદન, રવિન્દ્રભાઇ ગણાત્રા તેમજ કમલેશભાઇ રૂપારેલનો સંપર્ક થયો. જૈન સમાજમાં ક.દ.ઓ. સમાજના પ્રમુખ ઠાકરશીભાઇ, હીરજીભાઇ નાગડા સહ સમગ્ર સમાજનો સાથ મળ્યો તો અચલગચ્છ સમાજના મોવડીઓ વિસનજીભાઇ ગડા તથા નેમચંદભાઇ ગડાએ સામેથી બોલાવી સહકારની ખાતરી આપી. તેની સાથે કચ્છ નાગર સમાજના દુષ્યંતભાઇ અંતાણી, સાચોરા બ્રાહ્મણ સમાજના વિનાયકભાઇ મહેતાની સાથે સાથે મનસુખભાઈ સાવલા, વિનોદભાઇ ડાભી, જવાહરભાઇ શાહ, જયેશભાઇ મકવાણા, ધીરજભાઇ સાવલા, દિનેશભાઇ નાણાવટી, શાંતીલાલ દામા, શિવજીભાઇ ભદ્રા, લાલજીભાઇ, અમૃતભાઇ ઠાકરાણી, છગનભાઇ વરૂ, મહેન્દ્રભાઇ રૂડાણી, ચન્દુભાઇ પટેલ જેવા અનેક કચ્છી કાર્યકરોનો સહયોગ મળ્યો. વડોદરાના કચ્છી સમાજોની ગતિવિધિઓની માહિતી તથા કચ્છીઓની પ્રવૃત્તિની જાણ આપવાથી પરસ્પર સંપર્ક વધે એજ મુખ્ય હેતુ રહ્યો. પ્રથમ અંકથી જ કચ્છ કડવા પાટીદાર સમાજ, કચ્છી જૈન સમાજ, કચ્છી લોહાણા સમાજ, કચ્છી ભાનુશાલી સમાજ વગેરેનો ખૂબ જ સારો સહકાર મળ્યો. બીજા અંકથી એમાં કચ્છી સાહિત્યકારો/કવિઓની રચનાઓ, ઇતિહાસ તથા ગાભેજી ગાલ્યું જેવા કચ્છી લેખો વગેરેની શરૂઆત પણ થઇ ગઇ. ધીમે ધીમે વડોદરાના કચ્છીઓના લગભગ દરેક ઘરે ‘કચ્છ દર્પણ’ પહોંચતું થયું. આ માટે દરેક સમાજ તરફથી તેમના સભ્યોના નામ-સરનામા પણ મળ્યા.

વડોદરાના કચ્છી સમાજોની મુંબઇ, અમદાવાદ જેવા શહેરો કરતા ઓછી વસ્તી અને તેને કારણે ઓછા કાર્યક્રમો તેમ જ ઓછા સમાચારોને ધ્યાનમાં લેતા ‘કચ્છ દર્પણ’ને 2007થી દ્વિમાસીક સામાયિક બનાવવામાં આવ્યું. હવે તો ‘કચ્છ-દર્પણ’માં કચ્છનાં ઈતિહાસની માહિતિ, કચ્છી ભાષા શીખવાડતા લેખો, કચ્છી સાહિત્યની સુંદર છણાવટ, કચ્છનાં સમાચારો, કચ્છીઓના સફળતાનીવાતો ઉપરાંત વડોદરાનાં કચ્છી સમાજોનાં સમાચાર વગેરેનો સમાવેશ થતો. દેશભરમાંથી જાણીતા તથા નવોદીત કચ્છી સાહિત્યકારોનાં લખાણો પણ આવવા લાગ્યા અને આમાં નિયમિત રીતે પ્રસિધ્ધ થવા લાગ્યા.

કચ્છી કલમનાં ખમતીધરો કવિ શ્રી ‘તેજ’, શ્રી રવિ પેથાણીનાં લેખો શરૂ થતાં ‘કચ્છ દર્પણ’ને નવું જોમ મળ્યું. એમની સાથે સાથે અન્ય લેખકો સર્વશ્રી પ્રભાશંકર ફડકે, ડો. વિસન નાગડા, ડો.ગુલાબ દેઢીયા, શ્રી જીતેન્દ્ર અંતાણી, ડો. પુલીન વસા, શ્રી બાબુલાલ ગોર, શ્રી સૂર્યકાન્ત ભટ્ટ, શ્રી નારાયણ શનિશ્ર્વરા, શ્રી ભરત ઠાકર, શ્રી પ્રમોદ જેઠી, શ્રી ગિરીશ વિછીવોરા વગેરે સમયાંતરે જોડાયા. તે ઉપરાંત કેટલાય જાણીતા તથા નવોદિત કવિઓની રચનાઓને પણ સ્થાન મળતાં ‘કચ્છ દર્પણ’ નવલખા હારની જેમ શોભવા લાગ્યું. આની સાથે હવે ‘કચ્છ દર્પણ’નાં અંકો માટે બહારગામના લવાજમો આવતા તે ભારતભરમાં પહોંચવા લાગ્યા હતા.

કચ્છી લેખકો, સાહિત્યકારો, વિવેચકો તથા વાંચકો એમ બધા વર્ગોમાં એને ખૂબ આવકાર મળ્યો. વડોદરાનાં કચ્છીઓના ઘરોથી શરૂઆત કર્યા બાદ, વડોદરાનાં કચ્છીઓના ઘરોમાં નિ:શુલ્ક તથા બહારગામમાં પણ ‘કચ્છ દર્પણ’ પહોંચતું થયું. આમ ઑગષ્ટ-2008 સુધી 4 વર્ષમાં એકલા હાથે પ્રકાશિત કરાતા સીંગલ કલરમાં 16 અંકો બહાર પડ્યા.

સને 2008માં ભુજમાં વિજયરાજજી લાયબ્રેરીમાં કચ્છનાં (ખાસ કરીને ભુજનાં) લેખકો-સાહિત્યકારો સાથે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. આ મિટિંગમાં મળેલ સૂચનોનાં પરિણામે ત્યારબાદ આવેલ અંકોમાં ‘કચ્છ દર્પણ’ના રંગ-રૂપથી માંડીને દરેક વિભાગને સુવ્યવસ્થિત કરી સામાયિકને નવું સ્વરૂપ આપવામાં સફળ થયા. જાહેરખબર આપ્નાર દાતાઓનો સહકાર મળતા ‘કચ્છ દર્પણ’ નું ટાઇટલ પેજ રંગીન બન્યું. આમ કરતા માર્ચ-2010માં 22મો સળંગ અંક બહાર પડ્યો. તે વખતે જ જાણ થઇ કે ‘કચ્છ દર્પણ’ નામનું ટાઇટલ RNI તરફથી હાલમાં જ અન્ય કોઇને અપાયેલ છે, જ્યારે અમારી અરજી પેન્ડીંગ હતી. એટલે તુરંત જ નવા ટાઇટલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ‘કચ્છ-અર્પણ’ નામક ટાઇટલ RNI તરફથી મળતા એક લાંબા વિરામ બાદ ડીસેમ્બર-2010માં ‘કચ્છ-અર્પણ’નો પ્રથમ અંક પ્રકાશિત થયો.

એની સાથે સાથે દેશ-વિદેશમાં વસતા કચ્છીઓનાં સાહસો તથા સફળતાની વાતો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનાં નેમ સાથે ‘કચ્છ-અર્પણ’ માં વિવિધ લેખો સમાવવાની શરૂઆત થઇ. સારું સાહિત્ય આજે પણ વંચાય છે અને કચ્છી સાહિત્યકારોમાં રહેલી કલમની શક્તિને આપણે કચ્છી ભાષાની મર્યાદાઓને કારણે ઓળખી શક્યા નથી. આજના હાઇ-ટેક યુગમાં એક મેગેઝિન અને તે પણ કચ્છી-ગુજરાતીમાં પ્રસિધ્ધ કરવા પાછળ આપણી માતૃભાષા કચ્છી માટે કંઇક કરવાનો ધ્યેય પણ સામેલ થયો. આજે ‘કચ્છ-અર્પણ’ માં કચ્છ તથા કચ્છીયતની વાતો ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. કચ્છીમાં પણ ઘણા લેખો છાપવામાં આવે છે તથા આજના બદલાયેલ કચ્છની ઝાંખી પણ તેમાં નજરે પડે છે. આકર્ષક મુખપૃષ્ઠ, સુંદર પ્રિન્ટીંગ, કલાત્મક સંકલન તથા ખૂબ જ સરસ વિષય પસંદગીને કારણે ‘કચ્છ-અર્પણ’ એક Exclusive કચ્છી મેગેઝીન તરીકે ઊભરી રહેલ છે.

આ ઉપરાંત ‘કચ્છ-અર્પણ’ દ્વારા સપ્ટે. 2006 તથા જાન્યુ.2008માં ‘કચ્છ કલા દર્પણ’ નામક પ્રદર્શનોનું સફળ આયોજન કરવામાં આવેલ. પ્રથમમાં વડોદરાનાં મહિલા તથા ગૃહઉદ્યોગો સાથે સ્વનિર્ભર વ્યક્તિઓનું પ્રદર્શન તથા બીજામાં વડોદરા ઉપરાંત બહારગામનાં ક્ચ્છી વેપારીઓ / હસ્ત કલાકારો વિગેરેએ ભાગ લીધેલ. આ પ્રદર્શનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયેલ. ઉપરાંત બે વર્ષ સુધી ધો.10 તથા 12નાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનારનું આયોજન પણ હાથ ધરાયેલ.

શ્રી કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગરનાં ઉપક્રમે તા.11.9.2016ના રોજ વડોદરામાં ‘કચ્છી ભાષા સાહિત્ય સેમિનાર’ તથા ‘કવિ સંમેલન’નું આયોજન હાથ ધરવામાં આવેલ જેમાં કચ્છી સાહિત્યકારો ડૉ. કાન્તી ગોર ‘કારણ’, ડૉ. વીસન નાગડા, નારાયણ જોશી‘કારાયલ’, રવી પેથાણી‘તિમિર’, ડૉ. ગુલાબ દેઢિયા, જયેશ ભાનુશાલી‘જયુ’ એ ભાગ લીધેલ. આ સેમિનારમાં તે વખતના અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીએ પણ હાજરી આપેલ.

‘કચ્છ-અર્પણ’ની વેબસાઇટ www.kutcharpan.in લોન્ચ થઇ જતા આમાં કચ્છને લગતી અનેક ઉપયોગી માહિતીનો સમાવેશ કરવાની ગણતરી છે. આવનારા સમયમાં કચ્છ તથા કચ્છીયતની માહિતી મેળવવા આ એક ઉપયોગી વેબસાઇટ સાબિત થશે. આપને ‘કચ્છ-અર્પણ’નાં આ સફરમાં જોડાવા આમંત્રણ છે.

કચ્છીયતને ઘેર લાવો ...
આજે જ આપના ઘરે ‘કચ્છ-અર્પણ’મંગાવો...